Showing posts with label કવિતા. Show all posts
Showing posts with label કવિતા. Show all posts

Sunday, September 13, 2015

ભ્રમ

અરે મારાથી જૂઠ ના બોલાયું ,
ભલે તારું દિલ વીંધાયું ,
ભલે કહે તું મને બેવફા ,
પણ પ્રીત પરાણે  શેં થાય એ તને ના સમજાયું  ....
મને કોઈ પ્રમાણ નથી મળ્યું ,
નથી કોઈ ઇજન મારા તરફથી ,
શેં ભ્રમ તને થયો એ
કે તારા નજરના તીરથી મારું દલડું વીંધાયું ????
એક જૂઠને એક જન્મારો જીવાડવું ,
એ તને દુઃખી  કરશે એ મને સમજાણું ,
એટલે અત્યારે બેવફા ભલે કહે તું મને ,
મેં તને ક્યારેય પ્રેમ નથી કર્યો એ તને સમજાણું ??????

Friday, April 24, 2015

અજાણી ગલીમાં ,

અજાણ્યા શહેરની અજાણી ગલીમાં ,
એક જાણીતી સુગંધ અનુભવાઈ  ,
શોર બકોર પણ હતો ત્યાં પણ  ,
તો એક અવાજમાં પરિચિતતા ડોકાઈ  ....
હું તો શહેર થી અજાણ હતો  ,
પણ પગથારે પરિચિતતા સ્પર્શાઈ  ...
કોઈક તો છે જે મને ઓળખે છે અહીં  ,
કોઈક તો છે જેને મારી વાટ છે અહીં  ,
કોઈ હૃદય ધબકે છે મારા માટે અહીં પણ  ,
કોઈકના શ્વાસ અહી ચાલે છે ફક્ત મારે કાજે  ...
ભૂલી ગયો હતો ભવાટવીમાં બધું  ,
લીસી ચાંદીની સડક લોભાવી ગયી હતી  ,
બેલેન્સ બધી બેન્કોમાં તગડું કર્યું હતું  ,
પણ તોય ભુલાઈ કેમ ગયું એતો પરદેશ હતું ????
આજે ભૂલથી ઊંચકાઈ ગયેલા ફોન પર 
સામે કોઈનો સંદેશ હતો 
આવી જાવ જલ્દી એક ઘરડીમાંની આંખડીમાં
 તારી પ્રતીક્ષાનો વાસ હતો  ...
હવે જાણીતા ગામમાં બધું અજાણ્યું થઇ ગયું લાગ્યું  ,
ત્યારે દોડીને ભેટી પડેલી માવડીના ખોળામાં શાંતિનું રાજ્ય હતું  .....

Tuesday, December 2, 2014

સ્મિતનું સરનામું

કોઈ સ્મિતનું સરનામું શોધી લાવો ને !!!
સ્મિત ભર બઝારે ભૂલું પડ્યું છે  ...
નાનું શું બાળ ના બોલતા આવડે  ,
આમ તેમ આમ તેમ જોતું ફર્યું છે  ...
બાળકના ચેહરા પર હસતું હતું એ  ,
પ્રિયાના હોઠે પણ મલપતુ હતું  ,
માંની આંખો માં અંજાયેલું સદાય  ,
મરદ ની મૂછોમાં મલપતુ હતું એ  ...
આંસુ નું નામ હોય તો સરનામું આંખનું  ,
નયનને ઝરુખે  હિંચકતું હતું એ  ,
શરમની લાલીના શેરડા મહીં 
પાંપણ પછીતે સંતાતું હતું એ   ....
હૈયામાં હેત હોય 
આનંદનો ઉભરો વર્તાય દિલ ભરીને  ,
હૈયામાંથી હોઠની કેડી સુધી દોડતું આવે  ,
કોણે કહ્યું કે સ્મિતનું સરનામું હોઠ હતું  ,
એ તો આનંદ છલકાવતું હૈયું જ હોય ને !!!!

Saturday, November 15, 2014

અચાનક

અચાનક બધું ખાલી ખાલી લાગે છે  ,
છે ભીડ લોકોની બહુ ઘરમાં ,
તોય જાણે પારકું લાગે છે ,
રાહ નથી તો પણ કોઈ આવતું લાગે છે  ...
જાણે આકાશને તાકતા એમ જ
મેઘધનુષ્ય દેખાય છે  ,
કાળા વાદળ તો ક્યાંય નથી ,
પણ એ આભે ટાંકેલું લાગે છે  ...
મનને ક્યાં ક્યારેય મૌસમની સરહદ હોય  ,
એને તો ભર ઉનાળે પણ  ચોમાસું હોય  ...
એક પળ વિતાવવી યુગો જેવી લાગે ,
તો પણ સૂરજના ઢળતા જ સાંજ લાગે  ...
થાકેલું નથી શરીર તોય
રાત્રે ઓશીકે માથું મૂકતા જ વિશ્રામ લાગે  ...
બહુ ચાલતા રહ્યા લોકોની ભીડ વચ્ચે  ,
ઓરડાના એકાંતમાં જાણે મન મસ્તી માં ગુલતાન લાગે  ...

Thursday, November 6, 2014

તારી બારી પર

ગોફણેથી ફંગોળાયેલો એક વિચાર
તારી બારી પર જઈને બેઠો છે  ...
તારું ઘર છે બસ તું નથી ,
તારા શબ્દોને તારો અવાજ નથી ,
તારા પગને તારી ગતિ નથી  ...
હસતી રમતી હરતી ફરતી
તું તસ્વીર બનીને ટીંગાઈ ગયી છે  ...
કાચ પર એક તિરાડ છે  ...
હા ..હા ....હા  ...
મેં જ ફંગોળી દીધી હતી જોરથી ઘા કરીને  ,
તું મારા જન્મદિવસે જતી રહી હતી  ,
મારા કહેવા પર પણ ઉપરવટ થઈને  ,
તું ગઈ ને તને મેં કાઢી મૂકી દિલમાંથી  ...
એ ભ્રમણામાં તસ્વીર તોડી નાખી મેં  ...
પણ એ ભ્રમ ભાંગી ગયો મારો  ,
રીસાયેલો હું તારાથી ના માન્યો તે ના માન્યો  ,
મારો ઘમંડ હતો ને અહંકાર કે અધિકાર ???
પણ તારી કંકોતરીએ ચૂર ચૂર હું  ...
બસ યાદોની ગલીઓમાં ભટક્યા કરું છું અહીં તહીં  ,
તારા પગલાને શોધતો  ,
ઓટલે જઈને બેસીને
તારી બારી પર યાદો તાકું  છું ગોફણે મુકીને  .....

Wednesday, October 29, 2014

મને નથી આવડતું

મને નથી આવડતું ખોટું ખોટું રડતા ,
હું તો તને રડતા જોઇને પણ હંસી પડું છું  ...
તું ભલે ભૂલી ગયો છે મનના અવાજની વાતો મૂક ,
મને તો હજી પણ એને સાંભળવી ગમે છે  ...
રેતી ના મેદાનમાં બાંધેલા ઘર ખોટા થોડા હતા ???
આપણા સપનાની ઈમારતો નો પાયો તો ત્યાં જ ને !!!
આજે સાંભળ્યું છે બહુ મોટા મકાન બાંધ્યા છે શહેરમાં  ,
બસ એક ઘર બનાવવાની કળા શીખવી નથી કોઈએ  .....
મકાનમાં હોય છે દીવાલો બારીઓ રાચરચીલું બહુ  ,
ચાડી ખાતું બેસી રહે છે તારા ઐશ્વર્ય નું એકલું એકલું  ...
બે  માણસ નો કલશોર ,એનું હાસ્ય ,એનું રુદન  ,
એનો પ્રેમ અને એનો ઝગડો ,એનું રીસાવું અને મનાવું  ...
સંવેદનોનું સારું છે હજી બજાર નથી ભરાતું નથી ક્યાંય  ,
નહિ તો આંસુઓ પણ હાટમાં વેચાતા હોત  ....

Monday, May 26, 2014

જ્યાં એક યાદ નામનું શહેર છે

કાલ સુધી જે આકારો હતા અમારી સાથે ,
આજે ઓળા બની રહ્યા છે  ...
બધા ઓળા જઈ રહ્યા છે  એ દિશામાં
જ્યાં એક યાદ નામનું શહેર છે ,
દિલ નામના મુઠ્ઠી ભરની જગ્યામાં
એક આખે આખું શહેર !! અદભૂત !!!!!!
અહીં કોઈ મકાન નથી કોઈ દુકાન નથી ,
અહીં કોઈ મોબાઈલ નથી ,કોઈ નેટવર્ક નથી ,
અહીં સાંકડી ગલીઓ છે ,
અહીં કોઈ હવા નથી ,સંવેદનાઓ છે  ...
અહીં નામ જીવે છે એક ચેહરો બનીને  ,
જે ચેહરો ક્યારેય સમય સાથે ચાલતો નથી ,
એને જુવાની ઘડપણ કે બચપણ નથી  ...
બસ જયારે જુદા થયા ત્યારની તસ્વીર હોય  ,
ફરી જો મળવાની સંભાવના બને તો
બદલાયેલી અચૂક હોય  ...
આ દુન્યવી ચલણ માં છે એ બધું ,
ઐશ્વર્ય ,વૈભવ ,હોદ્દો ,બેન્કબેલેન્સ
બધું કશું દેખાતું નથી .
અહીં ના ચલણ માં છે માનવીનું વ્યક્તિત્વ ,
બસ બે જ : સારું કે બુરું  ...
હૃદયના ઘા કે સાથે બેસીને હસતા એ પળોની હારમાળ  ...
અહીં ટકવા સાથે બેસવું પડે છે  ...
ક્યારેક સમયનો એક મોટો પોપડો તોડી ,
અનાયાસે એક પત્ર મળે છે ,
કહે છે તું મને યાદ છે  .બસ એક વાર મળ  ...
એ પળો કેવી લાગે છે ???
અરે હજીય હું જીવંત છું કોઈની યાદોની ગલીમાં
મારા નામે પણ એક બારી ખુલી અને  ..
અને એક આકાશ ઉઘડ્યું ..!!!!
યાદોના શહેર દરેક માનવીના મનમાં વસે છે  ..
તમે જાણો કે નાં જાણો પણ અહીં અમર છે ,
અહીં વસતી વિવિધ વિધાઓ માં ફરતી ,
બેસતી ,ઊભતી ,રડતી અને હસતી યાદો  ...
બસ એ યાદ જયારે સામી આવીને આપણને
આગોશમાં લઇ લે તો ????
બસ શબ્દોની સરહદ પૂરી થઈને ,
આંસુઓ પાંપણની સરહદ તોડીને
ધસી આવે છે  ....અને હોઠને સ્મિતનો ઉપહાર આપી જાય છે  ....

Wednesday, May 7, 2014

ઉનાળો મને વ્હાલો લાગે છે ...

કોયલ જયારે મોર્નિંગ એલાર્મ બનીને આવે છે ,
ઉનાળો મને વ્હાલો લાગે છે  ...
જયારે આમ્રવૃક્ષ મંજરીઓથી કોળી ઉઠે છે ,
ઉનાળો મને વ્હાલો લાગે છે  ...
 મરવાનું કાચું અથાણું પીરસાય ભાણે ,
 ઉનાળો મને વ્હાલો લાગે છે  ...
 મોળી છાશનું માખણ મુખે જામે છે ,
ઉનાળો મને વ્હાલો લાગે છે  ...
પેલી કેસર- હાફૂસ રસ્તા પર બેસી જાય છે ,
ઉનાળો મને વ્હાલો લાગે છે  ...
બરફ ગોળા પર રંગબેરંગી શરબત રંગોળી  પૂરે ,
ત્યારે ઉનાળો મને વ્હાલો લાગે છે  ....
આઈસ્ક્રીમ કુલ્ફી ને જીભેથી ચાટીને
બચપણની નાદાની કરી હસી પડું ,
ત્યારે ઉનાળો મને વ્હાલો લાગે છે  ...
રાત્રે અગાસીમાં તારા ,ચંદ્ર અને સમીર ,
ગોઠડી માંડીને હસતા હોય ,
ત્યારે મને ઉનાળો વ્હાલો લાગે છે   ..
મોસાળની યાદો , અભ્યાસ મુક્તિનો આનંદ ,
ઝીણા ઝીણા મલમલના પહેરણના મોંઘા ભાવે
મને ઉનાળો વ્હાલો લાગે છે   ...
લીમડાની છાંય અને ભેંસથી ભરેલા તળાવના દેખાવે
મને ઉનાળો વ્હાલો લાગે   ...
દિવસે તપેલી કેડી પર તડકો અને ધરતી
હાથમાં હાથ પરોવી ચાલે
ત્યારે ઉનાળો મને બહુ વ્હાલો લાગે છે  ....


પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ