મારી પાસે તો ડબ્બીમાં સંતાડેલા હિમ કણો છે ,
મારી આગોશમાં ધુમ્મસની વરાળ છે ,
મારી પાસે મો ખોલતા નીકળતા ધુમાડા છે ,
મારી પાસે આળસુ સૂરજનો આછો ગુલાબી દડો છે ,
એક અડદિયાનું ચોસલું અને આદુની ગરમા ગરમ ચાની પ્યાલી છે ,
એક પકડેલી પતંગ અને દોરની લચ્છી પણ છે ,
પેલા ડબ્બામાં સંતાઈને ચોંટેલી બેઠેલી બે તલ સાંકળી પણ છે ,
સફેદ ટોપી પહેરીને બેઠેલા હિમાલયની તસ્વીરો છે ,
નિતાંત લાંબી રાત્રીમાં એકાંતમાં ઠંડી સાથે રોમાન્સ કરતી કાળી સડકો છે ,
સવારે મારા આંગણામાં રોજ ઉગતા ગુલાબની એક પાંખડી પર મારી રાહ જોતું ઝાકળ બિંદુ છે ,
સ્વેટર માં લપેટાયેલા લોકો છે ,ધાબળા રજાઈમાં ઢબુરાઈને જોયેલા સપના છે ,
સડક પર ધાબળાના તંબુ તાણીને સુતેલા લોકોની તગતગતી આંખો છે ,
સવારના તાપણામાં શેકાતા થોડા હાથ છે ,
જાણીતા તોય સાવ અજાણ્યા ચેહરાઓ ની મોર્નિંગ વોક પણ છે ,
રંગબેરંગી શાક સજાવીને નીકળતી લારી નીચે ઝોળીમાં ઊંઘતું બાળક છે ,
આ કોરો કાગળ તો હવે પૂરો થઇ ગયો છતાંય વણલખ્યા ખુબ બધા એહ્સાસો છે ,
તને જે ગમે એ તું લઇ લેજે , મારી પાસે તો મુઠ્ઠી માં બંધ કરેલું અનંત આકાશ છે ....
અને ...
અને ...
કોઈ પણ મેસેજ વગરનો સ્વીચ ઓફ કરેલો મોબાઈલ ફોન છે ..
No comments:
Post a Comment