Thursday, November 6, 2014

તારી બારી પર

ગોફણેથી ફંગોળાયેલો એક વિચાર
તારી બારી પર જઈને બેઠો છે  ...
તારું ઘર છે બસ તું નથી ,
તારા શબ્દોને તારો અવાજ નથી ,
તારા પગને તારી ગતિ નથી  ...
હસતી રમતી હરતી ફરતી
તું તસ્વીર બનીને ટીંગાઈ ગયી છે  ...
કાચ પર એક તિરાડ છે  ...
હા ..હા ....હા  ...
મેં જ ફંગોળી દીધી હતી જોરથી ઘા કરીને  ,
તું મારા જન્મદિવસે જતી રહી હતી  ,
મારા કહેવા પર પણ ઉપરવટ થઈને  ,
તું ગઈ ને તને મેં કાઢી મૂકી દિલમાંથી  ...
એ ભ્રમણામાં તસ્વીર તોડી નાખી મેં  ...
પણ એ ભ્રમ ભાંગી ગયો મારો  ,
રીસાયેલો હું તારાથી ના માન્યો તે ના માન્યો  ,
મારો ઘમંડ હતો ને અહંકાર કે અધિકાર ???
પણ તારી કંકોતરીએ ચૂર ચૂર હું  ...
બસ યાદોની ગલીઓમાં ભટક્યા કરું છું અહીં તહીં  ,
તારા પગલાને શોધતો  ,
ઓટલે જઈને બેસીને
તારી બારી પર યાદો તાકું  છું ગોફણે મુકીને  .....

Wednesday, October 29, 2014

મને નથી આવડતું

મને નથી આવડતું ખોટું ખોટું રડતા ,
હું તો તને રડતા જોઇને પણ હંસી પડું છું  ...
તું ભલે ભૂલી ગયો છે મનના અવાજની વાતો મૂક ,
મને તો હજી પણ એને સાંભળવી ગમે છે  ...
રેતી ના મેદાનમાં બાંધેલા ઘર ખોટા થોડા હતા ???
આપણા સપનાની ઈમારતો નો પાયો તો ત્યાં જ ને !!!
આજે સાંભળ્યું છે બહુ મોટા મકાન બાંધ્યા છે શહેરમાં  ,
બસ એક ઘર બનાવવાની કળા શીખવી નથી કોઈએ  .....
મકાનમાં હોય છે દીવાલો બારીઓ રાચરચીલું બહુ  ,
ચાડી ખાતું બેસી રહે છે તારા ઐશ્વર્ય નું એકલું એકલું  ...
બે  માણસ નો કલશોર ,એનું હાસ્ય ,એનું રુદન  ,
એનો પ્રેમ અને એનો ઝગડો ,એનું રીસાવું અને મનાવું  ...
સંવેદનોનું સારું છે હજી બજાર નથી ભરાતું નથી ક્યાંય  ,
નહિ તો આંસુઓ પણ હાટમાં વેચાતા હોત  ....

Thursday, October 23, 2014


નવવર્ષ સૌને માટે સુખમય નીવડે એ શુભેચ્છા સાથે દિપાવલીની હાર્દિક શુભકામનાઓdd caption
 ...

Saturday, October 11, 2014

ભંગાર વાળો

આપણી યાદોની ખજાનો કેટલો મોટો છે તે જોવા મનના માળીયે ચડવું પડે છે  .પણ ત્યાં તો વધારે જવાની આદત આપણને ક્યાં છે ?? દિવાળીમાં સફાઈ કરાવવા ચડીએ છીએ  .એને સાફ નથી કરતા આપણે  .એમાંની  કેટલી વસ્તુ કામની અને કેટલી વસ્તુ નકામી તેનું ફટાફટ વર્ગીકરણ કરીને એક ઢગલો કરીએ છીએ નીચે  .પછી એમાંની ઘણી વસ્તુઓ આપણે તદ્દન બિનઉપયોગી ,રીસેલ વેલ્યુ વગરની  ,પ્યાલા બરણી વાળા પાસે થી પણ કશું ના મળે એવી લાગે છે ત્યારે આપણે એક વ્યક્તિને બૂમ પાડીએ છીએ  .આ દિવસોમાં તો દિવસ માં કેટલીય વાર દરેક ગલીમાંથી નીકળે છે એ  .ભંગાર વાળો  .અને થોડી કિંમત માં ભાવતાલ કરીને એ વસ્તુને વિદાય કરીએ છીએ  .આપણને બસ નવું જોઈએ દર દિવાળીએ  .પણ જૂની ઉપયોગીતા સમજ્યા વગર જ  .આપણી ઉંમરના વર્ષો જેટલી જૂની વસ્તુ તો કદાચ શોધતા જડે પણ નહિ  .હવે ભાગ્યે જ કોઈએ પોતાના લગ્નમાં પહેરેલો સૂટ કે પાનેતર સાચવીને રાખ્યા હશે  અને એ પણ વીસેક વર્ષ વીત્યા પછી  ......
બહુ ફાસ્ટ સમય છે આપણો  .કામ કરતા વિચારવાનો સમય જ નથી  .આલ્બમ ક્યારેક જોઈએ પણ પેલી સી ડી તો જોતા પણ નથી  .આ એવી વસ્તુઓ છે જે તમને એક સોનેરી યુગ યાદ અપાવી ખડખડાટ હસાવી શકે છે  .અને ક્યારેક એ પળોની સુંદરતા ફરી જીવનમાં મહેકાવવા માટે વિચારબીજ આપી શકે છે પણ આપણે એ હાસ્ય તો કોમેડી નાઈટ્સ ઓફ કપિલ માં શોધીએ છીએ અને પળો માણવા માટે કોઈ બહારગામ નું હિલ સ્ટેશન  ...
પેલી જૂની સાડી  લેવા માટે કેટલા મહિના સુધી પૈસા ભેગા કરેલા  .કેટલી વાર રિક્ષાને બદલે ચાલતા આવેલા  ..કેટલી દુકાનો ફરેલા  .અને એ વખતે વધેલા પૈસામાંથી એક સેન્ડવીચ માંથી ચાર જણે નાસ્તો પણ કરેલો !!!!
બસ આપણે સંબંધો પણ હવે માળીયે મુકીએ છીએ ??? મનના કોમ્પ્યુટર માં બે ભાગમાં વર્ગીકરણ કરી નાખીએ છીએ 1. કામના  અને 2. નકામાં  .એન્ટર નું બટન દબાવતા તરત લીસ્ટ મળી જાય ને એને તો સીધા ને સટ પુરા જ કરી નાખીએ છીએ  .ઘણી બધી લાગણીઓથી ભીંજાયેલા એ સંબંધો ને સાચવવામાં આપણે તો કોરાકટ રણ જેવા જ સુકાયેલા થઇ ગયા છે  .વરસાદનો ભેજ તો પેલા કબાટમાં પડેલા કપડા અને ચાદરો ને પણ અસર કરે છે અને ભાદરવાના તાપમાં એને સૂકવવા પડે છે પણ મનની ભીનાશ તો માઈક્રોવેવ ઓવનમાં 360 ડીગ્રી સેલ્સીઅસ પર દસ મિનીટ માં બેક કરી નાખીએ છીએ  .
આપણા સુખ અને દુઃખનું અવલંબન બીજા લોકો પર પૂર્ણપણે આધારિત છે  .પણ પોતેજ પોતામાંથી સુખ શોધવાની કળા કદાચ એક જૂની પેટી સાથે અંદર મુકેલા એક એન્વેલોપ માં ભંગારવાળા પાસે જતી રહી છે  .અને શું કરીએ એ "કામની "વસ્તુ થોડી છે ?? ખોટી જગ્યા રોકાતી હતી તે કાઢી નાખી  .હાશ હવે થોડી મોકળાશ થશે  ...
આપણું મન પણ મોબાઈલ જેવું થઇ ગયું છે  .અમુક એન્ટ્રી થાય એટલે સંબંધો ડીલીટ કરી નાખવા પડે  .અને સંબંધો સાચવવા હવે ક્યાં કોઈને મળવાની જરૂર છે  ??? ફેસબુક વ્હોટસ એપ જિંદાબાદ !!!!!!

Saturday, October 4, 2014

હું મારી સાથે ચાલી લઉં

ચાલોને હવે  હું મારી સાથે ચાલી લઉં  ,
સમયની લાકડી ઝાલી
ઉંમરની સડક પર મહાલી લઉં ,
જોઈ લઉં આજના બચપણ ને
અને મારી યાદો સાથે એને સરખાવી લઉં !!!
બહુ અમીર હતી હું અને હજી પણ છું જ ,
મારી પાસે સમય હતો અને હજી પણ છે જ ,
મારી પાસે  એક મોટું ટોળું હતું ,
એમાં સગાં અને દોસ્તો હતા ,
એમાં પારકા અને થોડા પોતાના હતા ,
મારી પાસે વિશાળ પસંદગી ના વિકલ્પો હતા ,
મારામાં હું જીવતી હતી અને જીવંત પણ  ....
મારી પાસે ઘણું બધું નહોતું ,
ના ટીવી ના કોમ્પ્યુટર ના મોબાઈલ ના બાઈક ,
ધૂળમાં રમતા જવું નિશાળે ,
હાથના વેઢે દાખલા ગણવા ,
આંક ગોખવા અને પલાખા લખવા ,
સાંજે લીમડા નીચે આંબલી પીપળી પણ હતી  ...
હવે હું મારા જ ઘરમાં નઝર કેદ છું ,
નજર સામે ટીવીમાં ટાંગેલી દુનિયા છે ,
પણ પગમાં એક ઝંઝીર છું  ...
મારા બેન્કબેલેન્સ માં સમય છે ,
અને લાખો રૂપિયા રાખતા ખાતા ના લોકોને
સમય કોઈ કાર્ડ પર મળતો નથી ,
કોઈ માણસનો સ્પર્શ મળતો નથી ,
ખિસ્સામાં દુનિયાને લઈને ફરવાના વહેમમાં ,
બસ ખુદ ને જ એ મળતો નથી  ....

Tuesday, August 12, 2014

હોટેલ સ્ટ્રેસ ફ્રી

હોટેલ સ્ટ્રેસ ફ્રી ,
પાંચમું જંગલ  ,
બે દેશના સીમાડા વચ્ચે  ,
પૃથ્વી પ્લેનેટ  ,
ફ્લેટ નંબર -3 ,
સૂર્ય ગ્રહમાળા  .....
હા આવો  ..તમારું સ્વાગત છે  ...અહીં આવવા કોઈ ટ્રેન કે પ્લેન ની ફ્રિકવન્સી નથી  અને અહીં હોટેલનું મકાન પણ નથી  ..પણ તોય તમને અહીં કૈક નવું જાણીને મજા આવે એવી અમારા મેનેજમેન્ટ ની કોશિશ રહેશે જ  ..તો આવો રસિકલાલ  ...
લો આ કાગળ  ,તમે અહીં કેમ આવ્યા તે તમે લખી જાઓ  ,જોકે લખવું ફરજીયાત છે અને લખીને જમા નથી કરવાનું પણ તમારા ખિસ્સા માં રાખી લો  . પછી ડાબી બાજુના કે કેબીન માં જાઓ  .અહીં તમારે શું જોઈએ છે તે બોલી જાઓ  ..ના એ કોઈ બીજું સાંભળતું નથી પણ જેવું તમે બોલી લેશો સામેના કાઉન્ટર પર એક સી ડી આવશે  .એમાં તમારી ઈચ્છા હશે રેકોર્ડ કરેલી  ...હવે અહીં પંદર ડગલા ચાલતા એક લીમડાનું વિશાળ ઝાડ છે એની નીચે એક પેલા કોઈન વાળા ફોન જેવો ડબ્બો છે તેના ફ્લેપમાં પેલી સી ડી મુકો અને લાલ બટન દબાવો  .જુઓ સામે એક લીસ્ટ નીકળ્યું  .તમને તમને જોઈતી વસ્તુ ક્યાં ક્યાં મળે છે એ સ્થાનનું લીસ્ટ છે  .બસ ફરવા માંડો એ મુજબ  ...
હવે થાય છે એમ કે ફરતા ફરતા તમને લાગે છે કે બીજા પ્રવાસીઓ તમારા કરતા વધારે સારી વસ્તુઓ ને સ્થાન મેળવી ચુક્યા છે  .તમે એમની સાથે વાત કરો છો અને પાછા પેલા સીડી વાળા કાઉન્ટર પર પોતાની ઈચ્છા ને બદલો છો અને બીજા જેવા સ્થળો નું લીસ્ટ મેળવો છો  ...
અરે તમે વર્ષોથી અહીં ભટકી રહ્યા છો પણ તમને અહીં જે જોઈએ છે તે કેમ નથી મળતું તેના માટે અંતિમ એક કેબીન છે તે અવાવરું છે  ,જાળા બાવા લાગેલા છે  ,ચામાચીડિયા લટકે છે  ,ત્યાં લખ્યું છે કે તમારી સમસ્યાનો ઉકેલ મેળવવાનો અંતિમ રસ્તો  ....તમને એ સ્મશાન જેવું લાગે છે  ..એટલે તમે હોટેલ સ્ટ્રેસ ફ્રી છોડી દો  છો  ..
પણ તમારી સાથે આવેલ પેલા મનુભાઈ તમને ક્યાંય પણ મળ્યા નહિ  ...પણ આ અવાવરું કેબીન માંથી બહાર આવતા દેખાયા  ... હસતા હતા  ...
તમે પૂછ્યું કે કેમ હસો છો ?? આ સ્મશાનમાં ભૂત મળ્યું કે ???
તો મનુભાઈ બોલ્યા  : અંદર એક પાટિયું મુક્યું છે  : પોતાની સમસ્યાઓ ના ઉકેલ બીજાઓના રસ્તે શોધવા કરતા પહેલી ચિઠ્ઠી મુજબ ચાલ્યા હોત તો ક્યારનાય મુક્ત થઇ ગયા હોત  ...તમને રેડીમેડ ઉકેલ આપવા છતાય બીજાના રસ્તા પર વધારે વિશ્વાસ છે તો કુટાયા કરવું એ જ તમારી નિયતિ છે જે તમે જાતે જ ઘડી છે  .
જો તમે ફરી ચિઠ્ઠી પ્રમાણે ફરી ને જુઓ અને પછી અહીં આવશો તો આ વાક્ય પર જરૂર હંસવું આવશે   .
અને હું ફરી ફરીને આવ્યો અને વાંચ્યું તો વાક્ય વાંચીને હંસવું આવી ગયું  ...
હળવાફૂલ થઈને બાકીની જિંદગી જીવવા માટે રસિકભાઈ અને મનુભાઈ પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા  ...
આ ઉપરનું સરનામું તમારા હૃદય માં છે બે કાન વચ્ચેના દિમાગમાં નહિ  ..

Wednesday, August 6, 2014

આત્મહત્યા ગુનો નહિ બને .....

હવે દેશમાં આત્મહત્યા ગુનો નહિ બને  .....
આ વિધા પર ખુશ થવું કે દુ:ખી ખબર નથી પડતી  ...
ચાલો 2035 ની વાત કરું  ..હા હા ઊંઘમાં નથી  .એક વ્યક્તિ સવારની ચા થી રાતે સેક્સ સુધી બધું જ રોબોટ ની મદદથી કરી રહ્યો છે  .તેને પોતાના ઓરડામાંથી બહાર જવાની પણ જરૂર નથી  .લગ્ન પણ વિડીઓ ચેટ થી  . એની કારમાં એ જે ફ્રી હોય એવા દોસ્ત સાથે જતો હોય  .તેને જીવનમાં બધું મળી ગયાનો આનંદ છે  .તેણે નેટ પર આખી દુનિયા અને એના તમામ પ્રાણી જોયા છે  .
એક દિવસ એ એક નદી પરથી પસાર થતો હોય છે  .તે અધવચ્ચે પહોંચે છે અને પુલ તૂટે છે  .એની કાર એક હેંગર માં ટીંગાઈ ગયી હોય એમ લટકી પડે છે  . મગરોનું વિશાલ ઝુંડ છે  .તે આઈ એમ હિઅર (ફેસબુક જેવું એક સોશિઅલ સાઈટ )પર સ્ટેટસ મુકે છે અને ફોટો પણ  .લોકોને લાગે છે કે એણે ત્યાં જઈને ફોટો લીધો છે  .તેના પર પાંચ હાજર લાઈક્સ આવી જાય છે અર્ધો કલાક માં અને તેનો ફોટો વાયરલ થઇ જાય છે  ...તે જગ્યા પર થી પુલની બેઉ બાજુએ ટ્રાફિક જામ છે તેથી બચાવ દળ ત્યાં પહોંચી શકે એમ નથી  ,હેલીકોપ્ટર પણ અથડાઈ જાય એમ છે  .વર્ચ્યુઅલ દુનિયા જ જોઈ હોવાથી સ્વીમીંગ જાણતા નથી  . એના જ મિત્રો ત્યાં છે પણ ખબર નથી પડતી બેઉ પાર્ટી ને  .ત્યાં પુલની નીચે એક નાવડી આવે છે  .એનો માછીમાર આ દ્રશ્ય જોઇને બીજા પાંચ છ નાવડીવાલા ને લઇ આવે છે  .બધા મોટી જાળ પકડી ને ઉભા રહે છે અને તેને કુદવાનું કહે છે  .તેનો જીવ બચી જાય છે  .
આ વ્યક્તિએ આ પરિસ્થિતિ પહેલી વાર જોઈ અને  તેને ત્યારે એક માઈલ્ડ એટેક પણ આવી ગયો  ...
શું સમજ્યા ???
વાત હજી પૂરી નથી થઇ  ..તેને પોતાના ઓવર ઓવર સ્માર્ટ મોબાઈલ પર ગુસ્સો આવ્યો તો એને ફેંકી દીધો પેલી નદી માં  ..હજારો લાઈક આપનાર સાઈટ પરથી એણે એકાઉન્ટ ડીલીટ કરી નાખ્યું  .એણે બધા સાથે સંબંધ તોડી નાખ્યો  . અને સાવ એકલો પડી ગયો  . એ બધા દોસ્તને પર્સનલી મળવાની કોશિશ કરતો તો કોઈ સમય નહોતું આપતું  .તે એક સ્યુસાઈડનોટ લખે છે  અને એક ઝેર ની શીશી ખરીદી મંદિર માં છેલ્લે ભગવાનના દર્શન માટે એક મંદિર માં જાય છે  .બાંકડે એક કાકા બેઠા હોય છે  .તેની સાથે બેસે છે  .થોડી વાતો કરે છે  .ઘેર આવે છે ત્યારે એને સારું લાગે છે  . તે ઘેર જાય છે અને નોટ ફાડી નાખે છે  ...
શું જાણ્યું ???
1. મશીનો ગમે તેટલા સક્ષમ હોય તે માનવીની હુંફ ના તોલે ક્યારેય ના આવી શકે  .ગેઝેટ્સ ના ગુલામ થઈને આપણે આપણા અસ્તિત્વ સાથે ચેડા કરી રહ્યા છીએ  .
2.માણસ આત્મહત્યાનો વિચાર ત્યારે કરે છે જયારે એને લાગે તે એકલો પડી ગયો છે અને તેની પોઝીશન કોઈ સમજી શકતું જ નથી  .કોઈને પોતાનો પ્રોબ્લેમ કહેશે તો બધા એની મશ્કરી કરશે  .એને કોઈ નજીકના જ લોકોએ હર્ટ કર્યો હોય જેના પર એને અખૂટ વિશ્વાસ હોય  . અથવા પોતાના કોઈ કાર્ય કે પરિણામ ને લીધે પોતાના ખુબ નજીકના જેને એ ખુબ પ્રેમ કરતો હોય એ હર્ટ થશે કે તે વ્યક્તિનો પ્રેમ તે ગુમાવી દેશે એવો ભય હોય  . ત્યારે એ પોતાના દિલમાં ગૂંગળાય છે  અને એ ઉભરો ક્યારેક આત્મહત્યાની કોશિશ માં પરિણમેં છે  .
3.તેને કોઈ સમય ના આપે અને પ્રેમાળ હાથ ના સ્પર્શની ખોટ આવે વખતે ખુબ વર્તાય છે  ..
4.જયારે મુસીબત જીવનમાં આવે ત્યારે ચારે તરફ થી આવે છે એટલે એ જલ્દી થી મૂંઝાઈ જતો હોય છે અને એને લાગે છે કે દુનિયા માં પોતે એકલો જ દુખી છે  .
5.હવે દેખાડા ની દુનિયા છે  .જીવનમાં ભલે ગમે તેટલા દુખી હોય અને કરોડોનું દેવું હોય પણ લોકો ખુબ જ સુખી હોવાનો ડોળ કરતા હોય છે  .પણ આ દંભ તેમને પોતાને અકળાવી દેતો હોય છે થકવી દેતો હોય છે  .
6. સૌથી અગત્યની વાત તો એ છે કે માણસની સહનશક્તિ સાવ ખૂટી ગયી છે એને બધું ઇન્સ્તંત જોઈએ છે  .
મોત પણ !!!!
7.આપણી જીવન શૈલી જે ટોટલી વ્યક્તિકેન્દ્રી બની ચુકી છે  .એક ઘરમાં પણ લોકો એક બીજાને ધારે ત્યારે મળી નથી શકતા  .એક બીજા ના રૂમ માં બેધડક જઈ નથી શકતા  .એક બીજાને ત્યાં ફોન કર્યા વગર જવાતું નથી  .અને પોતાની બડાઈ કરવા માટે ખુબ સમય છે પણ કોઈ નું દર્દ સાંભળવા સમય આપી નથી શકતા। બાળકો અને વૃધ્ધો તેના શિકાર બની ગયા છે  .
= એક નાનકડી વાત કહેવી છે કે એક વ્યક્તિ એવો હોવો જોઈએ જે તમને તટસ્થ રીતે મુલવી શકતો હોય અને વિશ્વસનીય હોય  .એક વ્યક્તિ તો દરેક ને એવો મળે છે પણ મોટા ભાગના કિસ્સામાં એને ઓળખી શકતા નથી  .એની આગળ દિલ ખોલીને બધી જ વાત કરી લો  .મન થાય તો મોકલે મને રડી પણ લો  .આવું કરવાથી તમારા દિલનો ગુબ્બાર બહાર આવી જશે  .દિલ હલકું થઇ જશે અને મરી જવાનો વિચાર પણ જતો રહેશે  .એ વ્યક્તિ ભલે કશું ના મદદ કરે પણ તમને શાંતિથી સાંભળે એ તેની સૌથી મોટી મદદ હોય છે  .
= કોઈ ના મળે તો એક કાગળ પર બધું લખી જાવ જે તમારા મન માં હોય  .ગાળો આવતી હોય તો એ પણ  .એ લખી નાખશો ત્યારે તમારા મનનો કચરો કાગળ પર જતો રહ્યો હશે અને તમે દુનિયા છોડવાને બદલે દુનિયા માં રહેવા માટે જરૂર વિચારશો  .
= કોઈ નથી મળતું પોતાના ઘરના દેવસ્થાનમાં એકાંત માં બેસી ખુબ રડી લો અને  ઇષ્ટ દેવને બધું કહો  .એ તો સર્વજ્ઞાતા છે પણ તમે એની સામે દિલ ખોલી નાખશો તો કોઈને ખબર પણ નહિ પડે ,આબરૂ પણ સચવાઈ જશે અને તમારી સમસ્યા દુર કરવા માટે સાચી રીતે તો એ જ સમર્થ છે  .પણ હા તમારું દિલ હળવું હળવું પીંછા જેવું બની જશે  ...
આત્મહત્યા માંથી બચવું હોય તો પહેલા સાત મુદ્દાઓ થી વિરુદ્ધ વર્તો અને આ ત્રણ મુદ્દા ને યાદ રાખી કોઈ હતાશ વ્યક્તિમાં પ્રાણ પૂરો ..
તમે કોઈ વ્યક્તિના નૈતિક રીતે ગુનેગાર છો કે નહિ એ તમારો અંતરાત્મા નક્કી કરે કે ભગવાન ..એના ન્યાય તોળવાનું સામર્થ્ય હજી સુધી માનવને મળ્યું નથી  ..
તો જેટલું જીવો એટલું પ્રેમ થી ,નફરત નહિ અને મોબાઈલ સાથે નહિ પણ જીવંત વ્યક્તિ સાથે મૈત્રી કે લગ્ન કરીને જીવો  .

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ