Showing posts with label નિરીક્ષણ. Show all posts
Showing posts with label નિરીક્ષણ. Show all posts

Saturday, October 11, 2014

ભંગાર વાળો

આપણી યાદોની ખજાનો કેટલો મોટો છે તે જોવા મનના માળીયે ચડવું પડે છે  .પણ ત્યાં તો વધારે જવાની આદત આપણને ક્યાં છે ?? દિવાળીમાં સફાઈ કરાવવા ચડીએ છીએ  .એને સાફ નથી કરતા આપણે  .એમાંની  કેટલી વસ્તુ કામની અને કેટલી વસ્તુ નકામી તેનું ફટાફટ વર્ગીકરણ કરીને એક ઢગલો કરીએ છીએ નીચે  .પછી એમાંની ઘણી વસ્તુઓ આપણે તદ્દન બિનઉપયોગી ,રીસેલ વેલ્યુ વગરની  ,પ્યાલા બરણી વાળા પાસે થી પણ કશું ના મળે એવી લાગે છે ત્યારે આપણે એક વ્યક્તિને બૂમ પાડીએ છીએ  .આ દિવસોમાં તો દિવસ માં કેટલીય વાર દરેક ગલીમાંથી નીકળે છે એ  .ભંગાર વાળો  .અને થોડી કિંમત માં ભાવતાલ કરીને એ વસ્તુને વિદાય કરીએ છીએ  .આપણને બસ નવું જોઈએ દર દિવાળીએ  .પણ જૂની ઉપયોગીતા સમજ્યા વગર જ  .આપણી ઉંમરના વર્ષો જેટલી જૂની વસ્તુ તો કદાચ શોધતા જડે પણ નહિ  .હવે ભાગ્યે જ કોઈએ પોતાના લગ્નમાં પહેરેલો સૂટ કે પાનેતર સાચવીને રાખ્યા હશે  અને એ પણ વીસેક વર્ષ વીત્યા પછી  ......
બહુ ફાસ્ટ સમય છે આપણો  .કામ કરતા વિચારવાનો સમય જ નથી  .આલ્બમ ક્યારેક જોઈએ પણ પેલી સી ડી તો જોતા પણ નથી  .આ એવી વસ્તુઓ છે જે તમને એક સોનેરી યુગ યાદ અપાવી ખડખડાટ હસાવી શકે છે  .અને ક્યારેક એ પળોની સુંદરતા ફરી જીવનમાં મહેકાવવા માટે વિચારબીજ આપી શકે છે પણ આપણે એ હાસ્ય તો કોમેડી નાઈટ્સ ઓફ કપિલ માં શોધીએ છીએ અને પળો માણવા માટે કોઈ બહારગામ નું હિલ સ્ટેશન  ...
પેલી જૂની સાડી  લેવા માટે કેટલા મહિના સુધી પૈસા ભેગા કરેલા  .કેટલી વાર રિક્ષાને બદલે ચાલતા આવેલા  ..કેટલી દુકાનો ફરેલા  .અને એ વખતે વધેલા પૈસામાંથી એક સેન્ડવીચ માંથી ચાર જણે નાસ્તો પણ કરેલો !!!!
બસ આપણે સંબંધો પણ હવે માળીયે મુકીએ છીએ ??? મનના કોમ્પ્યુટર માં બે ભાગમાં વર્ગીકરણ કરી નાખીએ છીએ 1. કામના  અને 2. નકામાં  .એન્ટર નું બટન દબાવતા તરત લીસ્ટ મળી જાય ને એને તો સીધા ને સટ પુરા જ કરી નાખીએ છીએ  .ઘણી બધી લાગણીઓથી ભીંજાયેલા એ સંબંધો ને સાચવવામાં આપણે તો કોરાકટ રણ જેવા જ સુકાયેલા થઇ ગયા છે  .વરસાદનો ભેજ તો પેલા કબાટમાં પડેલા કપડા અને ચાદરો ને પણ અસર કરે છે અને ભાદરવાના તાપમાં એને સૂકવવા પડે છે પણ મનની ભીનાશ તો માઈક્રોવેવ ઓવનમાં 360 ડીગ્રી સેલ્સીઅસ પર દસ મિનીટ માં બેક કરી નાખીએ છીએ  .
આપણા સુખ અને દુઃખનું અવલંબન બીજા લોકો પર પૂર્ણપણે આધારિત છે  .પણ પોતેજ પોતામાંથી સુખ શોધવાની કળા કદાચ એક જૂની પેટી સાથે અંદર મુકેલા એક એન્વેલોપ માં ભંગારવાળા પાસે જતી રહી છે  .અને શું કરીએ એ "કામની "વસ્તુ થોડી છે ?? ખોટી જગ્યા રોકાતી હતી તે કાઢી નાખી  .હાશ હવે થોડી મોકળાશ થશે  ...
આપણું મન પણ મોબાઈલ જેવું થઇ ગયું છે  .અમુક એન્ટ્રી થાય એટલે સંબંધો ડીલીટ કરી નાખવા પડે  .અને સંબંધો સાચવવા હવે ક્યાં કોઈને મળવાની જરૂર છે  ??? ફેસબુક વ્હોટસ એપ જિંદાબાદ !!!!!!

Saturday, October 4, 2014

હું મારી સાથે ચાલી લઉં

ચાલોને હવે  હું મારી સાથે ચાલી લઉં  ,
સમયની લાકડી ઝાલી
ઉંમરની સડક પર મહાલી લઉં ,
જોઈ લઉં આજના બચપણ ને
અને મારી યાદો સાથે એને સરખાવી લઉં !!!
બહુ અમીર હતી હું અને હજી પણ છું જ ,
મારી પાસે સમય હતો અને હજી પણ છે જ ,
મારી પાસે  એક મોટું ટોળું હતું ,
એમાં સગાં અને દોસ્તો હતા ,
એમાં પારકા અને થોડા પોતાના હતા ,
મારી પાસે વિશાળ પસંદગી ના વિકલ્પો હતા ,
મારામાં હું જીવતી હતી અને જીવંત પણ  ....
મારી પાસે ઘણું બધું નહોતું ,
ના ટીવી ના કોમ્પ્યુટર ના મોબાઈલ ના બાઈક ,
ધૂળમાં રમતા જવું નિશાળે ,
હાથના વેઢે દાખલા ગણવા ,
આંક ગોખવા અને પલાખા લખવા ,
સાંજે લીમડા નીચે આંબલી પીપળી પણ હતી  ...
હવે હું મારા જ ઘરમાં નઝર કેદ છું ,
નજર સામે ટીવીમાં ટાંગેલી દુનિયા છે ,
પણ પગમાં એક ઝંઝીર છું  ...
મારા બેન્કબેલેન્સ માં સમય છે ,
અને લાખો રૂપિયા રાખતા ખાતા ના લોકોને
સમય કોઈ કાર્ડ પર મળતો નથી ,
કોઈ માણસનો સ્પર્શ મળતો નથી ,
ખિસ્સામાં દુનિયાને લઈને ફરવાના વહેમમાં ,
બસ ખુદ ને જ એ મળતો નથી  ....

Wednesday, August 6, 2014

આત્મહત્યા ગુનો નહિ બને .....

હવે દેશમાં આત્મહત્યા ગુનો નહિ બને  .....
આ વિધા પર ખુશ થવું કે દુ:ખી ખબર નથી પડતી  ...
ચાલો 2035 ની વાત કરું  ..હા હા ઊંઘમાં નથી  .એક વ્યક્તિ સવારની ચા થી રાતે સેક્સ સુધી બધું જ રોબોટ ની મદદથી કરી રહ્યો છે  .તેને પોતાના ઓરડામાંથી બહાર જવાની પણ જરૂર નથી  .લગ્ન પણ વિડીઓ ચેટ થી  . એની કારમાં એ જે ફ્રી હોય એવા દોસ્ત સાથે જતો હોય  .તેને જીવનમાં બધું મળી ગયાનો આનંદ છે  .તેણે નેટ પર આખી દુનિયા અને એના તમામ પ્રાણી જોયા છે  .
એક દિવસ એ એક નદી પરથી પસાર થતો હોય છે  .તે અધવચ્ચે પહોંચે છે અને પુલ તૂટે છે  .એની કાર એક હેંગર માં ટીંગાઈ ગયી હોય એમ લટકી પડે છે  . મગરોનું વિશાલ ઝુંડ છે  .તે આઈ એમ હિઅર (ફેસબુક જેવું એક સોશિઅલ સાઈટ )પર સ્ટેટસ મુકે છે અને ફોટો પણ  .લોકોને લાગે છે કે એણે ત્યાં જઈને ફોટો લીધો છે  .તેના પર પાંચ હાજર લાઈક્સ આવી જાય છે અર્ધો કલાક માં અને તેનો ફોટો વાયરલ થઇ જાય છે  ...તે જગ્યા પર થી પુલની બેઉ બાજુએ ટ્રાફિક જામ છે તેથી બચાવ દળ ત્યાં પહોંચી શકે એમ નથી  ,હેલીકોપ્ટર પણ અથડાઈ જાય એમ છે  .વર્ચ્યુઅલ દુનિયા જ જોઈ હોવાથી સ્વીમીંગ જાણતા નથી  . એના જ મિત્રો ત્યાં છે પણ ખબર નથી પડતી બેઉ પાર્ટી ને  .ત્યાં પુલની નીચે એક નાવડી આવે છે  .એનો માછીમાર આ દ્રશ્ય જોઇને બીજા પાંચ છ નાવડીવાલા ને લઇ આવે છે  .બધા મોટી જાળ પકડી ને ઉભા રહે છે અને તેને કુદવાનું કહે છે  .તેનો જીવ બચી જાય છે  .
આ વ્યક્તિએ આ પરિસ્થિતિ પહેલી વાર જોઈ અને  તેને ત્યારે એક માઈલ્ડ એટેક પણ આવી ગયો  ...
શું સમજ્યા ???
વાત હજી પૂરી નથી થઇ  ..તેને પોતાના ઓવર ઓવર સ્માર્ટ મોબાઈલ પર ગુસ્સો આવ્યો તો એને ફેંકી દીધો પેલી નદી માં  ..હજારો લાઈક આપનાર સાઈટ પરથી એણે એકાઉન્ટ ડીલીટ કરી નાખ્યું  .એણે બધા સાથે સંબંધ તોડી નાખ્યો  . અને સાવ એકલો પડી ગયો  . એ બધા દોસ્તને પર્સનલી મળવાની કોશિશ કરતો તો કોઈ સમય નહોતું આપતું  .તે એક સ્યુસાઈડનોટ લખે છે  અને એક ઝેર ની શીશી ખરીદી મંદિર માં છેલ્લે ભગવાનના દર્શન માટે એક મંદિર માં જાય છે  .બાંકડે એક કાકા બેઠા હોય છે  .તેની સાથે બેસે છે  .થોડી વાતો કરે છે  .ઘેર આવે છે ત્યારે એને સારું લાગે છે  . તે ઘેર જાય છે અને નોટ ફાડી નાખે છે  ...
શું જાણ્યું ???
1. મશીનો ગમે તેટલા સક્ષમ હોય તે માનવીની હુંફ ના તોલે ક્યારેય ના આવી શકે  .ગેઝેટ્સ ના ગુલામ થઈને આપણે આપણા અસ્તિત્વ સાથે ચેડા કરી રહ્યા છીએ  .
2.માણસ આત્મહત્યાનો વિચાર ત્યારે કરે છે જયારે એને લાગે તે એકલો પડી ગયો છે અને તેની પોઝીશન કોઈ સમજી શકતું જ નથી  .કોઈને પોતાનો પ્રોબ્લેમ કહેશે તો બધા એની મશ્કરી કરશે  .એને કોઈ નજીકના જ લોકોએ હર્ટ કર્યો હોય જેના પર એને અખૂટ વિશ્વાસ હોય  . અથવા પોતાના કોઈ કાર્ય કે પરિણામ ને લીધે પોતાના ખુબ નજીકના જેને એ ખુબ પ્રેમ કરતો હોય એ હર્ટ થશે કે તે વ્યક્તિનો પ્રેમ તે ગુમાવી દેશે એવો ભય હોય  . ત્યારે એ પોતાના દિલમાં ગૂંગળાય છે  અને એ ઉભરો ક્યારેક આત્મહત્યાની કોશિશ માં પરિણમેં છે  .
3.તેને કોઈ સમય ના આપે અને પ્રેમાળ હાથ ના સ્પર્શની ખોટ આવે વખતે ખુબ વર્તાય છે  ..
4.જયારે મુસીબત જીવનમાં આવે ત્યારે ચારે તરફ થી આવે છે એટલે એ જલ્દી થી મૂંઝાઈ જતો હોય છે અને એને લાગે છે કે દુનિયા માં પોતે એકલો જ દુખી છે  .
5.હવે દેખાડા ની દુનિયા છે  .જીવનમાં ભલે ગમે તેટલા દુખી હોય અને કરોડોનું દેવું હોય પણ લોકો ખુબ જ સુખી હોવાનો ડોળ કરતા હોય છે  .પણ આ દંભ તેમને પોતાને અકળાવી દેતો હોય છે થકવી દેતો હોય છે  .
6. સૌથી અગત્યની વાત તો એ છે કે માણસની સહનશક્તિ સાવ ખૂટી ગયી છે એને બધું ઇન્સ્તંત જોઈએ છે  .
મોત પણ !!!!
7.આપણી જીવન શૈલી જે ટોટલી વ્યક્તિકેન્દ્રી બની ચુકી છે  .એક ઘરમાં પણ લોકો એક બીજાને ધારે ત્યારે મળી નથી શકતા  .એક બીજા ના રૂમ માં બેધડક જઈ નથી શકતા  .એક બીજાને ત્યાં ફોન કર્યા વગર જવાતું નથી  .અને પોતાની બડાઈ કરવા માટે ખુબ સમય છે પણ કોઈ નું દર્દ સાંભળવા સમય આપી નથી શકતા। બાળકો અને વૃધ્ધો તેના શિકાર બની ગયા છે  .
= એક નાનકડી વાત કહેવી છે કે એક વ્યક્તિ એવો હોવો જોઈએ જે તમને તટસ્થ રીતે મુલવી શકતો હોય અને વિશ્વસનીય હોય  .એક વ્યક્તિ તો દરેક ને એવો મળે છે પણ મોટા ભાગના કિસ્સામાં એને ઓળખી શકતા નથી  .એની આગળ દિલ ખોલીને બધી જ વાત કરી લો  .મન થાય તો મોકલે મને રડી પણ લો  .આવું કરવાથી તમારા દિલનો ગુબ્બાર બહાર આવી જશે  .દિલ હલકું થઇ જશે અને મરી જવાનો વિચાર પણ જતો રહેશે  .એ વ્યક્તિ ભલે કશું ના મદદ કરે પણ તમને શાંતિથી સાંભળે એ તેની સૌથી મોટી મદદ હોય છે  .
= કોઈ ના મળે તો એક કાગળ પર બધું લખી જાવ જે તમારા મન માં હોય  .ગાળો આવતી હોય તો એ પણ  .એ લખી નાખશો ત્યારે તમારા મનનો કચરો કાગળ પર જતો રહ્યો હશે અને તમે દુનિયા છોડવાને બદલે દુનિયા માં રહેવા માટે જરૂર વિચારશો  .
= કોઈ નથી મળતું પોતાના ઘરના દેવસ્થાનમાં એકાંત માં બેસી ખુબ રડી લો અને  ઇષ્ટ દેવને બધું કહો  .એ તો સર્વજ્ઞાતા છે પણ તમે એની સામે દિલ ખોલી નાખશો તો કોઈને ખબર પણ નહિ પડે ,આબરૂ પણ સચવાઈ જશે અને તમારી સમસ્યા દુર કરવા માટે સાચી રીતે તો એ જ સમર્થ છે  .પણ હા તમારું દિલ હળવું હળવું પીંછા જેવું બની જશે  ...
આત્મહત્યા માંથી બચવું હોય તો પહેલા સાત મુદ્દાઓ થી વિરુદ્ધ વર્તો અને આ ત્રણ મુદ્દા ને યાદ રાખી કોઈ હતાશ વ્યક્તિમાં પ્રાણ પૂરો ..
તમે કોઈ વ્યક્તિના નૈતિક રીતે ગુનેગાર છો કે નહિ એ તમારો અંતરાત્મા નક્કી કરે કે ભગવાન ..એના ન્યાય તોળવાનું સામર્થ્ય હજી સુધી માનવને મળ્યું નથી  ..
તો જેટલું જીવો એટલું પ્રેમ થી ,નફરત નહિ અને મોબાઈલ સાથે નહિ પણ જીવંત વ્યક્તિ સાથે મૈત્રી કે લગ્ન કરીને જીવો  .

Thursday, July 31, 2014

જીવન ,શબ્દ અને અનુભવ ..


જીવન એ અનુભવોની એક શૃંખલા છે ,એક મેક થી જોડાયેલા અને ભિન્ન અને ઘડિયાળના કાંટા જેમ એક પછી એક મિનીટ સેકન્ડે આગળ વધતા રહે તેમ જ વધે  .પહેલા સાથે બીજાને સંબંધ હોઈ પણ શકે અથવા ના પણ હોઈ શકે પણ બેઉ આગળ વધે છે..અને આ શબ્દો એનું આલેખન છે  .
પણ પ્રશ્ન થાય છે કે શબ્દો શું અનુભવનું પૂર્ણતઃ આલેખન કરવા સક્ષમ છે ? હા કોઈ શબ્દોના અધિપતિ જેની પાસે જ્ઞાનના વિશાળ સીમાડાઓ અનુરૂપ શબ્દો સાથે ખુલ્લા હોઈ શકે છે પણ તે પણ સચોટ રીતે અનુભવને વર્ણવી ના શકે  .શબ્દોની રંગોળી લેખન ને ગમે તેટલી રંગીન કે ગમગીન બનાવે પણ સરળતા ની તસ્વીર આબેહુબ ઉતારવી કદાચ ટાંચા પડી જતા હશે ક્યારેક તો  ...
ના આ ગપગોળા નથી એક અનુભવ સિદ્ધ તથ્ય છે  .લગભગ છેલ્લા નવ મહિના થી એક એક દિવસ એક એક અનુભવનો સબક લઈને આવે છે અને એ પણ ક્યારેય સ્વપ્નમાં પણ ના વિચાર્યા હોય તેવા  ..ક્યારેક જીવનમાં આ પાર કે પેલે પાર વાળી વાત હોય પણ મધ્ય વહેણ માં ઉભા રહેવાના અનુભવ જેવા હોય છે જીવનના એ પરીક્ષક સમય ના તાબેદારો  .જ્યાં દિવસ અને રાત જેવા જ જરૂરી અને દિવસ અને રાત ને એક સાથે અનુભવવાના હોય એ રીતે  .કોઈને ખોટા કહી ના શકાય અને પોતાનું સત્ય કોઈ સમજે નહિ એવી કપરી પળો જેણે પણ જીવનમાં અનુભવી હોય એને જરૂર લાગશે કે શબ્દો ખરેખર ટાંચા પડી જાય છે  .
મને લાગે છે કે દુનિયાના ચોક માં સૌ પોતપોતાના સત્ય  લઈને ઉભા છે અને તેમને ખાતરી હોય છે કે એમનું સત્ય જ સત્ય છે અને સામે વાળા નું નહીં જ  .અને ખરેખર તો હકીકત આ સત્યો થી અલગ છે જેને કોઈ સમજી શકવાનું સામર્થ્ય નથી રાખતું  .અને હકીકત આત્મહત્યા કરી લે એવી સૌ આશા રાખે છે ના ના આગ્રહ રાખે છે  ....
જેમ પ્રત્યેક વ્યક્તિની હાથો માં રહેલી રેખા અને આંગળાની છાપ જુદી હોય છે એવી રીતે જ દરેક ના સંજોગો પણ જુદા હોય અને એક સંજોગ માં જે સત્ય હોય તે બીજી વ્યક્તિ માટે ના પણ હોય અને કદાચ સમય જતા એ સત્ય સત્ય ના પણ લાગે  ...પણ એથી કોઈને પણ પોતાનું સત્ય બીજા પર લાદી દેવાનો હક્ક મળતો નથી  .
ચાલો એક ઉદાહરણ આપું  ..એક સ્ત્રી નોકરી કરે છે  .એનું બાળક એની હાજરી એની સાથે રહે એ સંજોગો ઉભા કરે  એવી રીતે વંઠી જાય છે  .સ્ત્રી સમજદાર છે  .એ નોકરી છોડી દે છે  .લોકો એને મુર્ખ કહે છે  .પણ એ ચુપચાપ પોતાના બાળકને દુનિયા નો સામનો કરવાનો દરેક રીતે સમર્થ બનાવવાનો પુરુષાર્થ કરે છે  .એના બાળકની જીવનની દિશા અને દશા બદલી નાખે છે  . અને એ બાળક જીવનમાં ખુબ આગળ વધી જાય છે  .ત્યારે દુનિયા કહે છે તે મુર્ખ હતી કે નોકરી છોડી  .બાળકના નસીબ માં ભણવાનું લખ્યું હતું તો એ ભણે જ ને  .હવે એકલી પડી ગયી  ...તમે જ વિચારો એક ક્ષણનું સત્ય બીજી ક્ષણે બદલાઈ ગયું  .પણ હકીકત તો એ જ હતી કે જીવનની દિશા અને દશા બદલનાર નિર્ણય સમયની એ ક્ષણે જરૂરી હતો  ...
શું આ બધી દ્વિધા યુક્ત દ્વંદ્વ શું શબ્દો માં આલેખવો શક્ય છે ?? છાનું છપનું એ માનું રુદન શું કલમ માં ભરી શકાય ??? એ માં ની નિયતિ સાથે લડાઈ આલેખી શકાય  ??? તદ્દન ભિન્ન અનુભવોની શૃંખલા પણ શબ્દો અસમર્થ ..અને હજી પણ એક સવાલ તો રહે છે !!!
શું એ સ્ત્રી નિષ્ફળ રહી કે સફળ ????
ના જીવનમાં કર્મયોગ ને પચાવી જાણનાર કોઈ કૃષ્ણભક્ત !!!

Tuesday, April 22, 2014

" જરા અમથી વાત "

મારા માનવંતા વાચક મિત્રો ,
મારો આપનો અઢળક પ્રેમ જેને મળ્યો એ મારો બ્લોગ " જરા અમથી વાત " કોઈ ટેકનીકલ ક્ષતિને કારણે માત્ર વાંચન અર્થે જ પ્રાપ્ય છે પણ હું એના પર કશું પણ લખવા માટે લોગ ઇન થઇ શકતી નથી  .
આ કારણે મારા આ કવિતાના બ્લોગ પર હું "જરા અમથી વાત " નો ભાગ 2 તરીકે આગળ વધારું છું  .મારી પ્રથમ 500 પોસ્ટ તમને જુના બ્લોગ પર વાંચવા મળી શકશે  ....
એટલે હવે આપને આ બ્લોગ ની આગળની પોસ્ટ માટેનું સરનામું આ પ્રમાણે રહેશે :
http://shabdsoor.blogspot.in 
આપ સૌએ જે પ્રેમ મને આપ્યો છે એ હવે પછી પણ મળતો રહેશે એ અપેક્ષા સહ 
પ્રીતિ  ..

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ