Showing posts with label ડાયરી. Show all posts
Showing posts with label ડાયરી. Show all posts

Monday, April 28, 2014

નાલાયક દીકરીની ડાયરી . .(3)

ઈસ્વીસન 2000 પછી :
હું દીકરી છું અને એ મારા માવતર  ...મારી જિંદગી એમની દેણ છે  ...એમની કોઈ વાતનું ખોટું ના લગાડાય  ..
પણ પૈસો આવે ત્યારે માણસ ને ક્યારેક એટલો અભિમાની બનાવી દે છે કે એને બધા પોતાની જાતથી ઘણા નીચલા સ્તરના લાગવા માંડે છે  ..એ  કોઈનું પણ અપમાન કરી નાખે છે  ..આ સહ્ય નહોતું જ મારા માટે પણ ખબર નહિ ઘરડા માં બાપને મારા લીધે કોઈ દુખ ના થાય એ મારી કોશિશ ને લીધે હું મૌન રહેતી અને આ મારા મૌનને મારી કમજોરી ગણી મારા પર માનસિક પ્રહાર ઉગ્ર બનતા ગયા  .
કદાચ ભારતીય દીકરીની આ કરુણા છે કે એને પારકી થાપણ તરીકે ઉછેરે છે અને પારકી કરી દે છે પણ તોય એની જિંદગી ના દરેક નિર્ણયમાં દખલ કરવાનો અબાધ્ય હક્ક છોડી નથી શકતા માવતર  ..ભુલાતું જાય છે કે કન્યાવિદાય સાથે એની જિંદગી કોઈ બીજા કુટુંબ સાથે જોડાઈ ચુકી છે  .એને પોતાના કુટુંબને પ્રાધાન્ય આપવું પડે છે  .તેમાં પિયરનો કોઈ ખોટો હસ્તક્ષેપ એના અને એના પતિના જીવનમાં ગંભીર મતભેદ ઉભા કરી શકે છે અને ત્યારે દીકરી ક્યાંયની નથી રહેતી  .એ પીડા કોઈ જ સમજી નથી શકતું  ...
હવે એક પછી એક એવી ઘટનાઓ આકાર લેતી હતી કે મને લાગતું હતું કે મારું સ્થાન અહીં કોઈ નથી  .એક કંપની માંથી છુટા કરાયેલા કર્મચારીની ખાલી ખુરસી જેવું મારું સ્થાન છે  .જેના પર થોડા દિવસ બેસીએ તોય કોઈ નોંધ પણ ના લે  ...
મારી હાલત તો એ હતી કે એક સંવાદ થી સમજાઈ જશે  ..
"હવે તો પરીક્ષાઓ પતી ગઈ છે ને !!! તમને અહીં રહેવા આવી જાવ એટલે એક કામ પતે  ..."
હું કહું : હજી હમણાં જ મને હાશકારો થયો છે  .થોડા દિવસ મને કોઈ પણ ઉત્પાત વગર મારા ઘરમાં શાંતિથી રહેવાની ઈચ્છા છે  .."
"અમારે રંગ  થોડું ઈતર કામ કરાવવાનું છે  ... તો હમણાં ના આવીશ  ..."
પતિ પાસે માંગેલ પરમીશન બાતલ જતી અને બાંધેલા કપડા છોડીને ફરી કબાટમાં ગોઠવી દેતી  ..
મારા પિયર માં જવા માટે મારે ખાલી એમની અનુકુળતા જોવાની અને મારી કોઈ પણ મુશ્કેલી તેઓ ના સમજે  .પણ ઘરડા માં બાપને હું નહીં જાઉં તો દુઃખ થશે એ લોકો મનમાં ને મનમાં જીવ બાળ્યા કરશે  ...
આમને આમ વર્ષો વિતતા ગયા  ..મેં બાંધછોડ કરવાનું ચાલુ રાખ્યું  .
માં બાપ ભાઈ ભાભી અને હવે જુવાન થતા એમના સંતાનો પણ અમને ભાર રૂપ ગણતા   ..એમના મોજશોખ ના કાર્યક્રમ અમારા આગમન પહેલા અને  ઘેર ગયા પછી જ યોજાતા  ..
હું સમજતી પણ ચુપ હતી  .પતિ મારા વગર કહ્યે ચુપ ચાપ ભીંજાતી રહેતી આંખમાં બધું વાંચી લેતા  .હવે મારી સાસરીના કેટલાક પ્રસંગોથી મને લાગવા માંડ્યું કે મારા સાસરિયા સામાન્ય જરૂર છે તો પણ એમને એમની વહુ ભાભી માટે માન છે  .અહીં મારું વારંવાર અપમાન નથી થયું  .અહીં હક્ક હોવા છતાં પણ મારા અંગત જીવનમાં એમનો કોઈ હસ્તક્ષેપ નથી  .એ  લોકો પોતાનું સુચન અને સલાહ આપે છે પણ એના અમલની જોહુકમી નથી કરતા  .મારા ઘરમાં હું મન ગમતી રીતે રહું છું  .મને બંધન નથી  ..અને નાનકડું ઉદાહરણ આપું ???
મારે સવારે વહેલા ઉઠીને નાહી લેવાનું  ..પછી કપડા આઠ વાગ્યા પહેલા ધોવાના હોય  .બાર વાગ્યે જમી જ લેવાનું  .પછી ફરજીયાત સુઈ જવું પડે  . ટી વી કે રેડીઓ સાંભળવાની છૂટ નહીં  . સાંજે પાંચ વાગ્યે જ ચા મળે  .સાંજે આઠ વાગ્યે જમી જ લેવાનું  .સાંજે વહેલા સુઈ જવાનું   .આ બધા નિયમ  મારી સાસરીના નહીં  પિયર ના છે અને એ પણ વેકેશન ના છે હો !!!!
આ બધું જે હું લખું છું એ દીકરીઓ જરૂર અનુભવતી હશે કે હા વાત તો સાચી છે  .પણ પોતાના પિયરનું ખરાબ ના દેખાય એટલે ચુપ રહેતી હશે  ..કેમ  કે આપણો સમાજ પુત્ર પ્રધાન છે  ..લાયક દીકરીઓ કરતા દીકરાઓ હમેશા વધારે મહત્વના  ..એક જ કુખે જન્મેલા સંતાનો સાથે થતી આ ભેદભાવની નીતિ ???
ખેર  ..આ નાલાયક દીકરીએ હવે અન્યાય સામે બોલવાનું શરુ કર્યું છે જે માવતર મને કુસંતાન કહે તો ય વાંધો નહીં  ..કેમકે જે પીડા આપણને મળે છે એ બહારની દુનિયા કરતા ક્યાંય વધારે આપણા પોતાનાઓ જ આપે છે  ....!!
હજી થોડું કહેવું છે  ...આવતા અંકે રાખીએ  ..મન ભારે થઇ ગયું છે  ...!!!!

Saturday, April 26, 2014

નાલાયક દીકરીની ડાયરી.... .(2)


બીજા વર્ષે મેં મારી દીકરીને ઘોડિયાઘરમાં મુકવી શરુ કરી  .ડે સ્કુલ તો હતી જ  . પપ્પાને ના ગમ્યું  .ધીરે રહીને મેં કહ્યું  .મારી દીકરી હેરાન કરે છે ને એટલે  ..હવે એ મારી સાથે આવશે  .મને પિયર વેકેશનમાં જવાનું મન થાય એટલે હું જાઉં  .દસેક દિવસ રહેવાનો પ્રોગ્રામ હોય  .પતિને પણ વાંધો ના હોય  .પણ ચોથા દિવસે મમ્મીની ટક ટક શરુ થઇ જાય   .પતિને કેટલી તકલીફ પડતી હશે  .ચાર દિવસ પછી જતા રહેવાનું તારે  .હું વિચારતી હું મારા પિયર માં જ છું ને ??? તારા ભાઈ ભાભીને જુદા રહેવું પડે છે તારા આવવાના લીધે  .મને આઘાત લાગતો  .પણ તોય થોડી છોકરમત હતી એટલે ગણકારતી નહીં  .1200 ચોરસ ફૂટ ફ્લેટ માં મારા માટે જગ્યા નહોતી  .મને બીજા માળના ફ્લેટમાં સુવા જવાનું કહેવાતું  .રોજ સુવાની જગ્યા બદલાતી  .એક દિવસ અકળાઈને કહી દીધું  .તમે મને એક જગ્યા આપી દો  .આટલા મોટા ઘરમાં હું જ નથી સમાતી કેમ ??? મારા ફોઈ રહેવા આવ્યા ત્યારે એમની સાથે સુવાનું ફરમાન થયું  .ત્યારે ફોઈએ કહ્યું ,"બેટા મને તો દૂધનો ગ્લાસ આપે છે અને તું દીકરી જ છે ને તને કશું નહીં ??તને કામ પણ કરાવે છે ."
મેં શાંતિથી કહ્યું : ફોઈ હું તો કાયમની થઇ ગયી ને એટલે  ..અને મારે ઘેર શું કમી છે ???
મારા ભાઈ ની દીકરી મારી જેમ "ખાલી " ભણવામાં હોશિયાર એટલે એનું રિજલ્ટ આવે ત્યારે એને કહે થોડી મહેનત કરીને પહેલો નંબર નથી લવાતો ???અને મારી દીકરી સામાન્ય એટલે કહે : કઈ નહિ પાસ તો થઇ જાય છે ને એટલે બહુ  ...મારા પતિને આ વાત ખટકતી  .તે કહેતા કે તેઓ આવો ભેદભાવ કેમ કરે છે  ..ત્યારે હું સમજાવતી કઈ નહિ જેવી જેની સમજ  .આપણી દીકરી એ આપણી જવાબદારી છે  ..આવું મન પર નહિ લેવાનું  .
નાની વાતો હતી પણ ત્યારે સમજ ના પડી મને  .હું મારા માતા પિતાનું સન્માન કરતી એટલે કોઈ સામો જવાબ ના આપતી  .ધીરે ધીરે મમ્મીએ વહુને મારું સ્થાન આપી દીધું  .સારી વાત છે પણ એની દેખતા મારું અપમાન પણ થવા માંડ્યું એનું કારણ હતા મારા આર્થિક સંજોગો  ..પાછા થયા પછી દુનિયા ની રીત મુજબ હવે હું સામાન્ય થઇ ગયી  .
મેં ક્યારેય હાથ લાંબો નથી કર્યો  .તેમણે મને મદદ પણ કરી છે  .
હું એક મિથ્યા વિચારમાં રહેતી કે મારું પિયર એટલે ખુબ સંસ્કારી  .એટલે મને મારી સાસરી વાળા ગૌણ લગતા આ બાબત માં  .મને અભિમાન રહેતું મારા પિયરના સંસ્કાર પર  ..
પણ હવે વાત બદલાવા માંડેલી  ...
એ વાતની વાત  હવે પછીના પૃષ્ઠે  ...

Friday, April 25, 2014

નાલાયક દીકરીની ડાયરી ....

નાલાયક દીકરીની ડાયરી  ....
એક દીકરીની આ ડાયરી છે  ..એક નાલાયક દીકરીની ડાયરી ના થોડા પાના છે  ...
જમાનો જેના વિષે વિચારતો નથી થયો એ વિચારને અમલ માં મુકીને ભવિષ્યમાં જોવાની એની દ્રષ્ટિ છે  ...
1983:
મારે હવે એમ બી એ કરવું છે  ...પપ્પા હું સુરત કાકાને ત્યાં રહીશ  .પપ્પા મારે ખુબ ભણવું છે   .પણ પપ્પા એક જ વાત પર અડગ  .તને એટલું ભણાવીને ઘેર નથી બેસાડવાની  ..તારો દેખાવ તો જો  ...હા હું સારી નથી દેખાતી ખુબ પાતળી અને અનાકર્ષક છું  .પણ હું ભણીને મારી એ ખામી અને મારા બુદ્ધિચાતુર્ય ની મદદ થી દુનિયા માં મારું સ્થાન બનાવવાનું સપનું જોઉં છું   .
પપ્પા ના માન્યા તો છેવટે યુનીવર્સીટી માં નવો આવેલો મેનેજમેન્ટ કોર્સ લઈને એમ કોમ કરવાનું ફોર્મ ભરી દીધું  .સરકાર સ્કોલરશીપ પણ આપતી હતી અને કન્યા શિક્ષણ મફત   ..જો ઘરમાં તકલીફ હોય તો કોલેજ પાડવાની અને એમ જ બીજી ડીગ્રી લીધી  ...
1988માં પપ્પાની રોજરોજની કચકચ થી કંટાળીને એક માત્ર હા પાડનાર છોકરા સાથે લગ્નની હા પાડી .જેવું મારું નસીબ  . છોકરા ને નાનપણથી કીડની માં ટ્રબલ હતી એ જાણવા છતાં  ..
છોકરાએ સગાઇ ફોક કરી  .હું ખુશ છું   .હવે ઘરની કચકચ બંધ થશે  .નોકરી મળી ગઈ  .હવે સ્વતંત્ર જીવીશ  .પણ ત્યાં જ એક બીજો છોકરો આવ્યો  .મારી સાદગી ને કારણે પસંદ કરી  .અને દોઢ મહિના માં લગ્ન થઇ થઇ ગયા  ...
1989 :
જીવનનું બીજું પ્રકરણ શરુ થયું   .બધા બંધનો વચ્ચે ઉછરેલી હું સ્વતંત્રતા ને સમજી જ ના શકી  .પતિ મને કોઈ વાતે ટોકતો નહોતો  .નોકરી ચાલુ  .દોઢ વર્ષે દીકરી જન્મી  ...સાસરિયાનો જરાય સાથ નહિ એ સમયે પપ્પા મમ્મીએ એને ઉછેરી  .એ ઉપકાર જીવનભર માનતી રહી  ....એક ભાઈ પણ  .પરણ્યો અને એને પણ દીકરી થઇ  .વેકેશનમાં દીકરીને પપ્પાને ત્યાં મૂકી નોકરી કરવા જતી ત્યારે પપ્પા રોજ નવી ફરિયાદ કરતા  .નીચે આવીને દીકરી આપી જતા  .પ્યાલો પાણી પીવા ભૂલે ચુકે ઉપર આવવાનું ના કહે  .પણ હું ચુપ રહેતી  ...એક દિવસ મમ્મીને કહ્યું : મમ્મી હું દીકરી છું એટલે તમે આ ફરિયાદ કરો છો મને   .હું તમારો મોટો દીકરો હોત અને તમારી સાથે રહેતો હોત તો તમે શું કરત ?? ફક્ત મારી દીકરીની જ ફરિયાદ ???
દીકરા અને દીકરી ના ફરક સાથે તો ઉછરેલી પણ હવે સંતાનમાં પણ ભેદભાવના મુળિયા નખાઈ ચુક્યા છે  ...
ડાયરીના બીજા પાના હવે પછી 

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ