Monday, May 26, 2014

જ્યાં એક યાદ નામનું શહેર છે

કાલ સુધી જે આકારો હતા અમારી સાથે ,
આજે ઓળા બની રહ્યા છે  ...
બધા ઓળા જઈ રહ્યા છે  એ દિશામાં
જ્યાં એક યાદ નામનું શહેર છે ,
દિલ નામના મુઠ્ઠી ભરની જગ્યામાં
એક આખે આખું શહેર !! અદભૂત !!!!!!
અહીં કોઈ મકાન નથી કોઈ દુકાન નથી ,
અહીં કોઈ મોબાઈલ નથી ,કોઈ નેટવર્ક નથી ,
અહીં સાંકડી ગલીઓ છે ,
અહીં કોઈ હવા નથી ,સંવેદનાઓ છે  ...
અહીં નામ જીવે છે એક ચેહરો બનીને  ,
જે ચેહરો ક્યારેય સમય સાથે ચાલતો નથી ,
એને જુવાની ઘડપણ કે બચપણ નથી  ...
બસ જયારે જુદા થયા ત્યારની તસ્વીર હોય  ,
ફરી જો મળવાની સંભાવના બને તો
બદલાયેલી અચૂક હોય  ...
આ દુન્યવી ચલણ માં છે એ બધું ,
ઐશ્વર્ય ,વૈભવ ,હોદ્દો ,બેન્કબેલેન્સ
બધું કશું દેખાતું નથી .
અહીં ના ચલણ માં છે માનવીનું વ્યક્તિત્વ ,
બસ બે જ : સારું કે બુરું  ...
હૃદયના ઘા કે સાથે બેસીને હસતા એ પળોની હારમાળ  ...
અહીં ટકવા સાથે બેસવું પડે છે  ...
ક્યારેક સમયનો એક મોટો પોપડો તોડી ,
અનાયાસે એક પત્ર મળે છે ,
કહે છે તું મને યાદ છે  .બસ એક વાર મળ  ...
એ પળો કેવી લાગે છે ???
અરે હજીય હું જીવંત છું કોઈની યાદોની ગલીમાં
મારા નામે પણ એક બારી ખુલી અને  ..
અને એક આકાશ ઉઘડ્યું ..!!!!
યાદોના શહેર દરેક માનવીના મનમાં વસે છે  ..
તમે જાણો કે નાં જાણો પણ અહીં અમર છે ,
અહીં વસતી વિવિધ વિધાઓ માં ફરતી ,
બેસતી ,ઊભતી ,રડતી અને હસતી યાદો  ...
બસ એ યાદ જયારે સામી આવીને આપણને
આગોશમાં લઇ લે તો ????
બસ શબ્દોની સરહદ પૂરી થઈને ,
આંસુઓ પાંપણની સરહદ તોડીને
ધસી આવે છે  ....અને હોઠને સ્મિતનો ઉપહાર આપી જાય છે  ....

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ