Monday, May 14, 2012

તડકાના ચાર ટુકડા કર્યા..

તડકાના ચાર ટુકડા કર્યા .........
એક ટુકડો ફ્રીઝમાં મુક્યો ,
એક મુક્યો અગાસીમાં 
એકને લીમડાના છાંયામાં બેસાડ્યો 
અને એકને હથેળીમાં સંતાડી દીધો ............
ફ્રીઝનો તડકો જામીને એક પારદર્શક પીળો ટુકડો બન્યો ,
અગાસીનો તડકો આકાશમાં ઓગળી ગયો ,
લીમડાના છાંયામાં તડકો હીંચકો ખાતો અલસાઈ ગયો ,
અને હથેળીમાં એક બુંદ બની ગયો પ્રસ્વેદની ......
તડકો નાચતો હતો ,
તડકો કુદતો હતો ,
તડકો ગાતો પણ હતો ,
તડકો મૌન પણ બેસી રહેતો હતો .....
બસ એ વૈશાખના સગપણમાં હતો ,
એટલે આપણે એને ઓરમાયો કર્યો હતો .....
એ તડકો છાને ખૂણે બેસી રડતો પણ હતો !!!!!
મારી સાથે બારીમાં 
હવે રોજ તડકો આવીને બેસે છે ,
મને અગમનિગમની કઈ કેટલીય વાતો કરે છે ...
હવે એ ખુશ છે ,મારો ભેરુ બની ગયો છે ...
એ તડકાના ટુકડા હવે નથી થતા ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ