જિંદગી આપણા માટે શું છે? આ પ્રશ્ન કરવાનો સમય આપણી પાસે નથી .બાકી બધું જ છે..મારે શું જોઇએ છે એની મસમોટી યાદી આપણી પાસે બિલકુલ તૈયાર પડી છે. પણ હું શું આપી શકું છું એ માટે માથું ખંજવાળવા મંડીએ ...કદાચ જો કોઇએ આપણી પાસે પોતાની જરુરિયાત માટે પૈસા માંગ્યા હોય તો આપણી તમામ મૂંઝવણો આપણા પાસે તરત હાજર થઇ જશે ..અને બહાના શોધવા નહીં જવું પડે...અને હા કોઇ પાસે આપણે પૈસા લીધા હોય તો એને પરત કરવાની જરાય ઉતાવળ નથી કરતાં...
આ બાબતમાં વિચારવાનું ક્યારેય નથી સૂઝતું...આપણે આટલા બધા પૈસા પાછળ દિવાના કેમ છીએ ? કારણ એક જ ..એક માન્યતા કે પૈસાથી બધું જ ખરીદ કરી શકાય છે. અને એ વાત ભૌતિક સુખ સાહ્યબીની બાબતમાં તદ્દન સાચી પણ છે...યેન કેન પ્રકારેણ પૈસો કમાઇ લો ...દુનિયા પૈસાને જુએ છે એ કેવી રીતે આવ્યો છે એની પળોજણ કરતી નથી...આ વાત આંશિક સાચી છે...જે દિવસે છાપે ચડી ગયા તે દિવસે બધા મોં સંતાડવા માંડશે ...પૈસા હશે તો પણ....
જો પૈસો સર્વસ્વ હોત તો તમામ પૈસાદારો રાત્રે વગર ઊંઘની દવાએ સૂઇ શકતા હોત...પૈસા સુંવાળી પથારી ખરીદી આપે છે, ઊંઘ નહીં,પકવાન ખરીદી આપે છે,ભૂખ નહીં ..સાહ્યબી ખરીદી શકે છે ,સંસ્કાર નહીં...જ્યારે ભાગદોડ માં શરીર થાકે છે, આપણે બધા માટે નક્કામા થઇ જઇએ છે ત્યારે બ્રહ્મજ્ઞાન થાય છે...ત્યારે નરી એકલતા સિવાય કશું શેષ નથી રહેતું....
આખો દિવસ મજૂરી કરીને એમાંથી લોટ લાવી ચૂલો પેટાવી મોટા રોટલા બનાવી પત્ની સાથે વાળુ કરીને રોડની ફૂટપાથ પર સૂઇ જનારનું નિરોગી શરીર અને સુખની નિંદ્રાની મને ઇર્ષ્યા થઇ આવે છે...આ મજૂર જ્યારે પોતાની પત્નીને સાયકલની પાછળની સીટ પર બેસાડીને જતો હોય ત્યારે મને મોટી કારમાં બેસીને જતી પેલી અદોદળા શરીરવાળી શેઠાણી બહુ વામણી લાગે છે અલબત્ત આવા સાચા સુખનાં વિષયમાં...બધા આદિવાસી રાત્રે ઘેર પાછા જતા હોય ત્યારે હારબંધ ચાલતા જતાં હોય છે..ત્યારે આગળ ચાલતો જણ વાંસળી વગાડતો હોય એ દ્રશ્યને સડકને કિનારે ઊભા રહીને માણી જોજો ...જીવનનું સંગીત સંભળાશે તમને ત્યાં....
જરુર કરતાં અતિ અધિક મેળવી લેવાની લાલસાએ માણસનું જીવન કેટલું દુષ્કર બનાવી દીધું છે એ તો એક દિવસ જરુર એને સમજાશે પણ ત્યારે જીવનનો પનો કદાચ ટૂંકો પડી ગયો હશે .....
No comments:
Post a Comment