Thursday, June 12, 2008

સૂરજને પણ એક શમણું છે...

તારલે મઢી રાત્રિની ચાદરમાંથી ધીરે ધીરે આંખો ઉઘાડતાં સૂર્યનું બાળક શું નિર્દોષ મુખારવિંદ આપે પ્રભાતે પૂર્વાકાશમાં ક્યારેય નિહાળ્યું છે? એક તોફાની બાળક ના... ના...એક અત્યંત શરમાળ કન્યાની જેમ ધીરે ધીરે જ્યારે તે પલક ઊઠાવતો પૂર્વાકાશમાંથી બહાર આવે છે ને!! ત્યારે તેની સુવર્ણમય આભાભરી લાલાશને માણવી ખરે જ જીંદગીનો એક સુખદ અનુભવ...!!પોતાના કર્મક્ષેત્ર માટે જેમ જેમ તેની ઊર્ધ્વગતિ થાય તેમ તેમ તે લાલાશ ખંખેરી સુવર્ણમય પીળો થઇ રહે...

તેનું વધતું જતું તે જ ધીરેથી ગરમ લાગતા કિરણોમાં પરિવર્તિત થવા માંડે. એવી રીતે જ મનુષ્યનું જીવન બાળપણમાં નિર્દોશ લાલીમા ધરાવતું હોય છે. જેમ જેમ જ્ઞાનનું સિંચન તેમાં થાય તેમ તેમ તેજસ્વીતાનો નિખાર એના વ્યક્તિત્વમાં આવે.પ્રખર તેજસ્વી વ્યક્તિન જ્ઞાનનો મધ્યાન્હ જીવનનાં અજ્ઞાનનાં તિમિરને દૂર કરવા, બાળીને ભસ્મ કરવાં સંપૂર્ણ સક્ષમ હોય છે. જ્ઞાન એ એવું ફળોથી લચી પડેલું વૃક્ષ છે જે ક્યારેય ગર્વિષ્ઠ થઇ પોતાની આભા ઝાંખી ન થવા દે.જ્ઞાનનો પ્રખારાગ્નિ વ્યક્તિને તેના જીવનમાં નમ્રતા લાવવાનું શીખવતો જાય છે. પેલા ખજૂરી વૃક્ષ જેમ નહીં કે બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર્, પંથી કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર...
જ્ઞાનની શીતળ છાયામાં કંઇ કેટલાય જીવો સંતૃપ્તિનો ઓડકાર લે છે.
દરેક ઉદયને અસ્તાચળ તરફ એક નિશ્ચિત ગતિ હોય છે. કેમ ન હોય? પ્રેમિકા રાત્રિ સાથેનું તેનું મિલન પણ એટલું જ અદ્ભૂત !! સમગ્ર પશ્ચિમાકાશ રંગોત્સવની લહેરોમાં નાહીને સંધ્યાની ચૂંદડી રાત્રિની દુલ્હનને પહેરાવી દેછે. આપણોજેમ દરેક જન્મને એક મૃત્યુ.સમગ્ર દિવસની યાત્રા દરમ્યાન પોતાના દિગ્વિજય બાદ પ્રિયાના આષ્લેષમાં જઇ તેની મીઠી ગોદમાં સ્વપ્ન જોવાનું તો સૂર્યનેય મન સૂર્ય એ ઓઢણીની પછીતેથી સુંદર લાલિમા ધારણ કરતો એ ઓઢણીને તારલાઓ ટાંકવા માંડે છે.રાત્રિની દુલ્હન પોતાની આગોશમાં સૂરજને સમાવે છે.ચંદ્ર મીઠું મીઠું સ્મિત વેરી પોતાની ચાંદની રેલાવે છેઆપણા સૂર્યનું આ સમગ્ર પરિભ્રમણ આપણને નિયમિતતાનો સંદેશ આપે છે.દિવસની મધ્યભાગી ચિંતાઓ છોડી દો.સવારની નિર્મળ, નિષ્પાપ કોમળતા જ દિવસભર તમારામાં વિવિધ ઝંઝાવાતો સમક્ષ લડવાનું સામર્થ્ય ભરી દેશે. નિયમિત માનવી ક્યારેય જીંદગીની કોઇપણ ઘડીએ મોડો નહીં હોય. સફળતા ક્યારેય એની આગળ નહીં સરી જતી હોય ,તે તો તેને શોધવા તેની આગળ પાછળ દોડતી હશે. નિયમિતતા સાથે કર્મનિષ્ઠા ન હોય તો જીવનની કિતાબ અર્થહીન બની રહે.
ચોમાસાનાં ઘટાટોપ વાદળોની સેના સૂર્ય પર ચઢાઇ કરે છે ત્યારે સૂરજ ઢંકાઇ જાય છ પણ તેનો પ્રકાશ નહીં.કેમકે તેની કર્મનિષ્ઠાનું પ્રખર તેજ ઝંઝાવાતોનાં વાદળ ક્યારેય ઝાંખુ ન પાડી શકે.અંધશ્રધ્ધા, કટ્ટર ધાર્મિકતા, ન્યાતજાતનાં વાડા વગેરે અજ્ઞાનનો અંધકાર દૂર કરવા તરસે છે.અને જ્યારે આ પામર માનવી જડતાનાં પોપચાં સખત રીતે ભીડીને જ્ઞાનનાં પ્રકાશને પોતાના આત્માની આંખ પર પડતાં રોકી લે છે.ત્યારે એક બુધ્ધ મહાભિનિષ્ક્રમણ કરી કઈંક કેટલાય જ્ઞાનદીપકોને ઉજાગર કરવાના શપથ લે છે.સૂર્યનું શમણું તો એક સવાર જ હોયને!!!!!
પ્રભુએ રાત્રિ સ્વપ્નને સર્જવા આપી છે.જ્યારે દિવસ આંખ,નાક,કાન,હાથ,પગ, મગજને કાર્યશીલ બનાવી,ચેતનાથી ભરી કર્મશીલ બનાવી સ્વપ્નશીલ કૃતિને મૂર્તિમંત આકાર આપવા.
સૂર્યનો આ સંદેશ સમજવાની શરુઆત આજથી જ કેમ ન કરીએ ????

હું ફૂલની કોમળ પાંખડીમાં કેદ થયેલો ભમરો છું,
સુગંધના દરિયામાં રાત્રિને શમણાંથી ભરી દેતું સ્પંદન છું.
પ્રતીક્ષા છે મને પ્રભાતનાં એ પ્રથમ કિરણની,
આ બંદીપાશમાંથી ઉડી જવાનો હું એક અનુરાગી છું.....

Post a Comment

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ