Saturday, October 11, 2014

ભંગાર વાળો

આપણી યાદોની ખજાનો કેટલો મોટો છે તે જોવા મનના માળીયે ચડવું પડે છે  .પણ ત્યાં તો વધારે જવાની આદત આપણને ક્યાં છે ?? દિવાળીમાં સફાઈ કરાવવા ચડીએ છીએ  .એને સાફ નથી કરતા આપણે  .એમાંની  કેટલી વસ્તુ કામની અને કેટલી વસ્તુ નકામી તેનું ફટાફટ વર્ગીકરણ કરીને એક ઢગલો કરીએ છીએ નીચે  .પછી એમાંની ઘણી વસ્તુઓ આપણે તદ્દન બિનઉપયોગી ,રીસેલ વેલ્યુ વગરની  ,પ્યાલા બરણી વાળા પાસે થી પણ કશું ના મળે એવી લાગે છે ત્યારે આપણે એક વ્યક્તિને બૂમ પાડીએ છીએ  .આ દિવસોમાં તો દિવસ માં કેટલીય વાર દરેક ગલીમાંથી નીકળે છે એ  .ભંગાર વાળો  .અને થોડી કિંમત માં ભાવતાલ કરીને એ વસ્તુને વિદાય કરીએ છીએ  .આપણને બસ નવું જોઈએ દર દિવાળીએ  .પણ જૂની ઉપયોગીતા સમજ્યા વગર જ  .આપણી ઉંમરના વર્ષો જેટલી જૂની વસ્તુ તો કદાચ શોધતા જડે પણ નહિ  .હવે ભાગ્યે જ કોઈએ પોતાના લગ્નમાં પહેરેલો સૂટ કે પાનેતર સાચવીને રાખ્યા હશે  અને એ પણ વીસેક વર્ષ વીત્યા પછી  ......
બહુ ફાસ્ટ સમય છે આપણો  .કામ કરતા વિચારવાનો સમય જ નથી  .આલ્બમ ક્યારેક જોઈએ પણ પેલી સી ડી તો જોતા પણ નથી  .આ એવી વસ્તુઓ છે જે તમને એક સોનેરી યુગ યાદ અપાવી ખડખડાટ હસાવી શકે છે  .અને ક્યારેક એ પળોની સુંદરતા ફરી જીવનમાં મહેકાવવા માટે વિચારબીજ આપી શકે છે પણ આપણે એ હાસ્ય તો કોમેડી નાઈટ્સ ઓફ કપિલ માં શોધીએ છીએ અને પળો માણવા માટે કોઈ બહારગામ નું હિલ સ્ટેશન  ...
પેલી જૂની સાડી  લેવા માટે કેટલા મહિના સુધી પૈસા ભેગા કરેલા  .કેટલી વાર રિક્ષાને બદલે ચાલતા આવેલા  ..કેટલી દુકાનો ફરેલા  .અને એ વખતે વધેલા પૈસામાંથી એક સેન્ડવીચ માંથી ચાર જણે નાસ્તો પણ કરેલો !!!!
બસ આપણે સંબંધો પણ હવે માળીયે મુકીએ છીએ ??? મનના કોમ્પ્યુટર માં બે ભાગમાં વર્ગીકરણ કરી નાખીએ છીએ 1. કામના  અને 2. નકામાં  .એન્ટર નું બટન દબાવતા તરત લીસ્ટ મળી જાય ને એને તો સીધા ને સટ પુરા જ કરી નાખીએ છીએ  .ઘણી બધી લાગણીઓથી ભીંજાયેલા એ સંબંધો ને સાચવવામાં આપણે તો કોરાકટ રણ જેવા જ સુકાયેલા થઇ ગયા છે  .વરસાદનો ભેજ તો પેલા કબાટમાં પડેલા કપડા અને ચાદરો ને પણ અસર કરે છે અને ભાદરવાના તાપમાં એને સૂકવવા પડે છે પણ મનની ભીનાશ તો માઈક્રોવેવ ઓવનમાં 360 ડીગ્રી સેલ્સીઅસ પર દસ મિનીટ માં બેક કરી નાખીએ છીએ  .
આપણા સુખ અને દુઃખનું અવલંબન બીજા લોકો પર પૂર્ણપણે આધારિત છે  .પણ પોતેજ પોતામાંથી સુખ શોધવાની કળા કદાચ એક જૂની પેટી સાથે અંદર મુકેલા એક એન્વેલોપ માં ભંગારવાળા પાસે જતી રહી છે  .અને શું કરીએ એ "કામની "વસ્તુ થોડી છે ?? ખોટી જગ્યા રોકાતી હતી તે કાઢી નાખી  .હાશ હવે થોડી મોકળાશ થશે  ...
આપણું મન પણ મોબાઈલ જેવું થઇ ગયું છે  .અમુક એન્ટ્રી થાય એટલે સંબંધો ડીલીટ કરી નાખવા પડે  .અને સંબંધો સાચવવા હવે ક્યાં કોઈને મળવાની જરૂર છે  ??? ફેસબુક વ્હોટસ એપ જિંદાબાદ !!!!!!
Post a Comment

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ