Saturday, August 23, 2008

વંશ

ઝડપથી ઉતાવળી ચાલે મંછી રોડના પારની ઝાડીમાંથી નીકળી સામેની દિશામાં હવામાં ઓગળી ગઇ.સવારે મોર્નિંગ વોક લેવા નીકળેલાં ડૉ.દર્શન અને ડૉ.જિજ્ઞાએ આ જોયું. નવ મહિના પહેલાનાં ધૂળેટીનાં બીજા દિવસથી એણે કામ પર આવવાનું બંધ કરી દીધેલું તે છેક આજે જ એ દેખાઇ.

નવ મહિના પહેલાંનો એ ધૂળેટીનો દિવસ તેમને યાદ આવી ગયો. તે દિવસે પોતાના જૂના દોસ્તો સાથે તેઓ વર્ષોના નિયમ મુજબ નારેશ્વર જતા રહ્યા હતા.દીકરો સૌરભ અને વહુ સુરભી ધૂળેટી રમી વળતા સુરભીનાં મમ્મીને ઘેર જઇ જમ્યાં. સૌરભ પાછો આવતો રહ્યો અને સુરભી ત્યાં જ રોકાઇ ગઇ.

આજે દોસ્તો સાથે છાંટો પાણી થોડા વધારે થઇ ગયા હતા. ઘેર આવીને જોયું તો મંછી એકલી હતી. બહાર પિતા સાથે આઉટ હાઉસમાં રહેતી અને સવારથી રાત સુધીનું ઘરનું તમામ કામ કરતી. અત્યારે તે કચરા પોતું કરી રહી હતી. એક નબળી ક્ષણે દિમાગ પર ચડેલા નશાએ તેનો રંગ બતાવ્યો.

સાંજે પાછા આવેલા જિજ્ઞાબેને રસોડામાં મંછીની બંગડીનાં ટૂટેલા કાચ અને ઓઢણીનો ફાટેલો ટૂકડો જોયો. તે બધું મનમાં જ સમજી ગયા. પણ મોટું ઘર ને! આ વાત ચાર દિવાલો વચ્ચે જ દફન થઇ ગઇ.

સુરભી ક્યારેય મા બની શકે એમ ન હતી. આ ગાયનેક દંપતિ એ વાત સારી રીતે જાણતું હતું.સૌરભની બાળકો માટેની દિવાનગી પણ તેમનાથી અજાણ તો નહોતી જ!

જ્યાંથી મંછી નીકળી હતી ત્યાં પહોંચતા જ નજીકની ઝાડીમાંથી બાળકનાં રડવાનો અવાજ આવતો હતો. જિજ્ઞાબેન અંદરથી બાળકને હાથમાં ઉંચકી લાવ્યા.છોકરો હતો. તેને ઉપાડીને ધ્યાનથી જોતાં તેની પીઠ પર લાલ લાખું હતું. બિલકુલ એવું જ જેવું સૌરભને જન્મ વખતે હતું. પાછળથી એ ધીરે ધીરે જતું રહ્યું હતું. આ વાત તેઓ જ જાણતા હતા.

બાળકને ઘેર લાવી સુરભીનાં ખોળામાં મૂક્યું. સૌરભ અને સુરભીનાં ચેહરા ખીલી ઉઠ્યાં. રહસ્યને દિલમાં દફનાવીને ડૉ. દંપતિએ આગળની કાનૂની કાર્યવાહી માટે તેમના વકીલ મહેશભાઇને ફોન જોડ્યો......


વંશ

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ